ગાંધીનગરઃ પહેલા નવરાત્રી પછી દીવાળી અને હવે ઉત્તરાયણની મજા પણ રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદે બગાડી છે. ૧૩મી જાન્યુઆરીએ ઉત્તરાયણના એક દિવસ અગાઉ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડ્યો હતો. મોરબી, જૂનાગઢ, જામનગર, ભુજ સહિતના શહેરોમાં કમોસમી વરસાદના કારણે પતંગરસિકોમાં નિરાશા જોવા મળી હતી તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. આ વરસાદથી ઘઉં અને જીરાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ છે.
સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના નાના વાવડી, બિલિયા, શનાળા, રવાપર, જેતપર, માળિયા, વેણાસર, ખાખરેચી, કુંભારિયા, હળવદ, માનગઢ, ટીકર અને અજિતગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગામડાંમાં શેરીમાંથી પાણી ફરી વળ્યાં હતાં. ધોરાજીમાં ૧૩મીએ સવારે જ વાદળછાયા વાતાવરણ સાથે અચાનક જ વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત બની ગયા હતા. ભાયાવદરમાં વહેલી સવારથી ધુમ્મસ તેમજ ધાબડિયા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત જામનગરના ગ્રામ્ય પંથકમાં સોમવારે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને લીધે રસ્તે જતા લોકોએ થોડીવાર માટે દુકાનોનાં છાપરા નીચે આશરો લેવો પડ્યો હતો.
અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં પણ સવારના પહોરમાં વાદળછાયા માહોલ સાથે વરસાદ વરસ્યો હતો. આ તરફ કચ્છ જિલ્લાના આડેસર, ભચાઉ, ભુજ, દયાપર, નારાયણ સરોવર ખાતે ૧૩મીની મધરાતથી સવાર સુધી હળવા છાંટા વરસ્યા હતા.

